
સરકારી અધિકારી/કર્મચારીઓ માટે ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલમેટ ફરજિયાત પહેરવા અંગેના સરકારશ્રીના પરિપત્રની અમરેલી જિલ્લામાં કડક અમલવારી
ગુજરાત રાજ્યના તમામ અધિકારી/કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવતા હોય, તેઓ બીજા નાગરિકો માટે ‘‘રોલ મોડલ’’ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવતી હોય, સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા સરકારશ્રીના તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત અને જરૂરી છે.
ગુજરાત રાજ્યમાં હેલમેટના નિયમનું અમલીકરણ કરાવવું ખુબ જ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતાં મૃત્યુ તેમજ ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય. સરકારશ્રી દ્વારા સરકારી અધિકારીઓ/કર્મચારીઓ માટે ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલમેટ ફરજિયાત પહેરવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. આ પરિપત્રની કડક અમલવારી માટે *ગુજરાત રાજ્યના ડી.જી.પી.વિકાસ સહાય દ્વારા તા.૧૧/૦૨/૨૦૨૫ થી ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસનું ડીપ્લોયમેન્ટ કરી, અસરકારક કામગીરી કરવા રાજ્યના તમામ શહેર/જિલ્લા પોલીસ વડાને સુચના આપવામાં આવેલ.
ઉપરોક્ત સુચના આધારે સરકારશ્રીના પરિપત્રની અમલવારી માટે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત નાંઓ દ્વારા અમરેલી શહેર તથા જુદા જુદા તાલુકા વિસ્તારમાં આવતી સરકારી કચેરીઓ બહાર પોલીસનું ડીપ્લોયમેન્ટ કરી, સરકારી અધિકારી/કર્મચારીઓ ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલમેટ ફરજિયાત પહેરે તે સુનિશ્ચિત કરવા અમરેલી જિલ્લા પોલીસ પાસે એન્ફોર્સમેન્ટની કામગીરી કરાવવામાં આવેલ.
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી શહેર તેમજ જુદા જુદા તાલુકા મથકે આવેલ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી કરી, કુલ ૨૪ સરકારી અધિકારી/કર્મચારીઓને હેલમેટ પહેર્યા વગર ટુ-વ્હીલર ચલાવી, સરકારી કચેરીએ આવવા બદલ દંડની કાર્યવાહી કરી, કુલ રૂ.૧૨,૦૦૦/- નો સ્થળ દંડ વસૂલ કરવામાં આવેલ છે.