અમરેલીના પાણીયામાં બાળક ઉપર હુમલો કરનાર સિંહ પકડાયો

*અમરેલીના પાણીયામાં સિંહ દ્વારા હુમલોઃ શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા સિંહનું રેસ્ક્યુ*
—
*નિરિક્ષણ અને વધુ પરિક્ષણ માટે ક્રાંકચ એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો*
—
*અમરેલી, તા.૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ (મંગળવાર)* અમરેલી તાલુકાના પાણીયા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ રહેવાસી એવા સાત વર્ષીય શ્રી રાહુલભાઈ નરુભાઈ બારીયા પર વન્યપ્રાણી સિંહે તા.૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૮.૩૦ કલાકે હુમલો કર્યો હતો, આ ઘટનામાં શ્રી રાહુલભાઈ બારીયાનું નિધન થયું હતું.
આ ઘટના બાદ શેત્રુંજી વન્યજીવ વિભાગ લીલીયા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, વેટરનરી અધિકારી શ્રી, ટ્રેકર્સ તથા સ્થાનિક કર્મચારીગણ સહિતનાઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, વન કર્મીશ્રીઓ દ્વારા આ વિસ્તારમાં સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉ.વ. ૦૯ થી ઉ.વ.૧૨ વચ્ચેની વય ધરાવતા વન્યપ્રાણી નર સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
નિરિક્ષણ અને વધુ પરિક્ષણ માટે આ વન્યપ્રાણી નર સિંહને ક્રાંકચ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યું છે, તેમ પાલીતાણા શેત્રુંજી વન્યજીવ વિભાગના નાયબ વનસંરક્ષકશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.