અમરેલી

ગોપાલગ્રામનાં આંગણે રાજવી પરિવારનું અદકેરું સન્માન

95 વર્ષીય પ્રિન્સનું ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર બહુમાન

 

ધારી તાલુકાના ગોપાલગ્રામ મુકામે વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલાં રાજવી પરિવારે મુલાકાત લીધી હતી. ઢસા (હાલનું ગોપાલગ્રામ)ના પ્રજાવત્સલ રાજવી અને સ્વાતંત્ર્ય સેનાની પૂ. ભક્તિબા તથા પૂ. દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈનાં 95 વર્ષીય સુપૂત્ર, ઉદારદિલ દાતાશ્રી આદરણીય ડૉ. બારીન્દ્રભાઈ દેસાઈ તેમનાં પૂત્ર માર્ક દેસાઈ, પપિહાબેન દેસાઈ (ઈન્ડિયન રિવાઈવલ ગૃપ, દિલ્હી), સૂરેન્દ્રભાઈ પટેલ (યુ.કે.) સાથે વતનમાં પધાર્યા હતાં. આ અવસરે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા રાજવી પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરબાર ગઢમાં આયોજીત આ કાર્યક્રમમાં ભક્તિબા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા, સ્વાગત પ્રવચન કરતાં વડીલ શંભુબાપા વાડદોરિયાએ ગામની ઐતિહાસિક ધરોહર યુવાનોને સોંપી હતી, પ્રાસંગિક ઉદ્બોધનમાં ટ્રસ્ટી વિપુલ ભટ્ટીએ રાજવી પરિવારના ત્યાગ, લોકાભિમુખ અભિગમ, પ્રજાપ્રેમ તેમજ સ્વાતંત્રતા ચળવળમાં જોડાઈ સત્યાગ્રહમાં ભાગ લેવા સહિત દરબાર સાહેબ તેમજ ભક્તિબાનાં શિક્ષણ ઉત્થાન અર્થે કરેલ પરિશ્રમ અને ગામની એક્તા, સમરસતા અને રાષ્ટ્ર સેવામાં કરેલ પ્રદાનની રોચક વાતો કહી હતી.

અત્રે ગામનાં રાજકીય-સામાજીક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રાજકુમાર ડૉ. બારીન્દ્ર દેસાઈ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે અમરેલી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિન કુંજડિયા, ઉપસરપંચ ગૌતમભાઈ વાળા, ચુનીભાઈ પટેલ, ગ્રામ વિકાસ મંડળના ટ્રસ્ટીઓ, ઓ.પી.ઝાટકિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, પ્રાથમિક શાળાનાં આચાર્ય-શિક્ષકો, ગામનાં અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટનાં પ્રમુખ શંભુભાઈ વાડદોરિયાનાં વડપણ હેઠળ ટ્રસ્ટીઓ ચિરાગ ગજેરા, કિર્તીકુમાર ભટ્ટ, વિપુલ ભટ્ટી, વિજય વાઘેલાએ જહેમત ઉઠાવી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. દેવકુભાઈ વાળાએ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!