ગુજરાતની વિજ કંપનીઓ વિજળીના તગડા ભાવ વસુલી પ્રજાને જાણે રીતસર લુંટી રહી છે. એટલુ જ નહી ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખીસ્સા ભરવા કંપનીને પણ લુંટાવી રહ્યાં હોવાનો આક્ષેપ પુર્વ સાંસદ વિરજી ઠુંમરે કર્યો છે. જાફરાબાદના બાલાની વાવમા જમીન સંપાદનના વિઘાના 4 લાખના બદલે 57 લાખનુ ચુકવણુ કરી વચેટીયાઓ 40 ટકા રકમ ખાઇ ગયાની તેમણે રજુઆત કરી છે.
પુર્વ સાંસદ ઠુંમરે મુખ્યમંત્રીને આજે પત્ર લખી જણાવ્યું હતુ કે બાલાની વાવ આસપાસ જેટકો દ્વારા 66 કેવી સબ સ્ટેશન સ્થાપવા દસ વર્ષ પહેલા કલેકટરને દરખાસ્ત કરી હતી. અહીની ઉંચા ભાવની જમીન પણ વિઘાના ચાર લાખ આસપાસથી વધારે નથી. પરંતુ જેટકો તરફથી મીટરના રૂપિયા 1850 એટલે કે વિઘાના રૂપિયા 57 લાખ પ્રમાણે જમીનનુ સંપાદન કરી 33 કરોડ જેવી રકમ ખેડૂતના ખાતામા જમા કરાવી છે. આ રકમ ખરેખર ખેડૂતને જ મળી હોત તો કોઇ પ્રશ્ન નથી. પરંતુ વચેટીયાઓએ 40 ટકા રકમની ખાયકી કરી છે.
ખેડૂતો પાસેથી સેલ્ફના નામે ચેક લઇ 40 ટકા રકમ વચેટીયાઓએ ઉપાડી લીધી છે. આ સમગ્ર કૌભાંડમા કોની કોની સંડોવણી છે તેની તપાસ થવી જોઇએ. ઠુંમરે એવો આક્ષેપ કર્યો હતો કે કૌભાંડ આચરવા જ ખુબ ઉંચી કિંમતે જમીન ખરીદાઇ છે. હકિકતમા આ વિસ્તારમા અન્ય ખેડૂતો આજની તારીખે પણ વિઘાના ચાર લાખ મળે તો જમીન વેચવા તૈયાર છે. અહી અગાઉથી જ કૌભાંડનો તખતો ઘડાઇ ગયો હતો. આ ગામ આસપાસમા સરકારી પડતર જમીન મોટા પ્રમાણમા છે. ત્યાં સબ સ્ટેશન બનાવી શકાયુ હોત પરંતુ કૌભાંડ આચરવા ખેડૂતોની જમીન સંપાદિત કરાઇ હતી.