
કપાસના ખેડૂતોનું હવે આવી બન્યું કે શું? કેમ જણાવી પૂર્વ સાંસદ શ્રી વિરજીભાઈ ઠુંમરે પ્રેસ નિવેદન કરી જણાવ્યું હતું ક
અમેરિકન ખેડૂતને ૫૪ લાખ રૂ.ની અને ભારતના ખેડૂતને રૂ. ૪૦,૦૦૦ની સબસિડી!
‘અનુસંધાન’, પ્રો હેમંત કુમાર શાહ
ભારત સરકારે ગઈ કાલે કપાસની આયાત પરની જકાત જે ૧૧ ટકા હતી તે ૩૦મી સપ્ટેમ્બર સુધી તત્કાલ અમલમાં આવે તે રીતે સ્થગિત કરી દીધી છે. એનો અર્થ એ છે કે ૩૦ સપ્ટેમ્બર સુધી જે પણ કપાસની આયાત ભારતમાં થશે તે કપાસ પર કેન્દ્ર સરકાર કોઈ વેરો ઉઘરાવશે નહિ. સરકારના આ નિર્ણયનાં આ મુજબનાં પરિણામો આવી શકે: તેમ પૂર્વ સાંસદ ઠુમરે જણાવ્યું હતું
(૧) કપાસની આયાત વધી જાય. તેમાં પણ અમેરિકન કપાસની આયાત વધુ વધે એમ પણ બને.
(૨) ભારતના કપાસની કિંમત બજારમાં ઘટી જાય કારણ કે બજારમાં કપાસનો પુરવઠો વધી જાય.
(૩) જિનિંગ અને પ્રેસિંગ મિલો ભારતના કપાસને બદલે વિદેશી કપાસ ખરીદે તો પણ ભારતના કપાસની કિંમત ઘટી જાય.
(૪) કપાસની કિંમત બજારમાં ઘટી જાય તો ભારતના કપાસ ઉગાડનારા ખેડૂતોને ભારે મોટો ફટકો પડે.
વડા પ્રધાને થોડા દિવસો પહેલાં એમ કહેલું કે તેઓ અમેરિકા સાથેના વેપારના કરારમાં ભારતના ખેડૂતોનું અહિત થવા નહિ દે ભલે તેમને વ્યક્તિગત રીતે સહન કરવાનું આવે. તેમ છતાં ભારતના કપાસ પેદા કરનારા ખેડૂતોને નુકસાન થાય તેવું પગલું તેમની સરકારે જ ભર્યું છે. તેમને જે વ્યક્તિગત નુકસાન થવાનું હતું તે હવે નહિ થાય! તેમને વ્યક્તિગત રીતે શું નુકસાન થવાનું હતું તેની તો ખબર છે જ નહિ! તે તો તેઓ જ જાણે! અમેરિકા સાથે હજુ વ્યાપાર સમજૂતી માટે વાટાઘાટો ચાલી રહી છે ત્યારે જ આવું પગલું ભરવામાં આવ્યું છે તે આશ્ચર્યજનક છે. આયાત પરની જકાત સ્થગિત કરી દેવામાં આવી છે તે માત્ર અમેરિકાના કપાસ માટે જ નથી પણ અન્ય તમામ દેશોમાંથી થતી કપાસની આયાત પર હવે કોઈ વેરો ઉઘરાવવામાં નહિ આવે. એટલે કે અન્ય દેશોમાંથી થતી કપાસની આયાત પણ વધી શકે છે.
ભારત જે કપાસની આયાત કરે છે તેમાં બીજા ક્રમે અમેરિકા છે. ભારતમાં અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઈજીપ્તથી કપાસની આયાત થાય છે. ૨૦૨૩-૨૪માં ભારતે ૫૮ કરોડ ડોલરના કપાસની આયાત કરી હતી અને તે ૨૦૨૪-૨૫માં ૧૨૦ કરોડ ડોલરની થઈ હતી. આમ, ૧૧ ટકા આયાત જકાત લાદવામાં આવતી હતી તેમ છતાં આયાત લગભગ બમણી થઈ ગઈ હતી. તો હવે આયાત પર જકાત છે જ નહિ તો કપાસની આયાત કેટલી થશે તે કહી શકાય તેમ છે જ નહિ. એટલે આપણે કપાસની જરૂરિયાતની બાબતમાં આત્મનિર્ભર નથી તે વાત ચોક્કસ છે. શ્રી ઠુંમર
નિકાસકાર કંપનીઓને ફાયદો, ખેડૂતોને નુકસાન
ભારતે કપાસ પરની આયાત જકાત શૂન્ય કરી નાખી તેથી ફાયદો કોને થશે તે સમજવાની જરૂર છે. આયાત જકાત ઘટાડવા માટેની માગણી વસ્ત્રોની નિકાસ કરનારી કંપનીઓ કરતી હતી. તેનું કારણ એ હતું કે ભારતનાં વસ્ત્રોની નિકાસ પર અમેરિકામાં અત્યારે ૬૦ ટકા જેટલી જકાત નાખી દેવામાં આવી છે કે જે એક મહિના પહેલાં શૂન્યથી પાંચ ટકા હતી અને કેટલાંક કાપડવસ્ત્ર ક્ષેત્રોમાં તે ૯.૦થી ૧૩.૦ ટકા જ હતી. આને પરિણામે વસ્ત્ર ઉત્પાદક કંપનીઓએ જો કપાસ સસ્તો આવે તો જ તેઓ નિકાસ કરી શકે એવી દલીલ કરી અને તેથી ભારત સરકારે કપાસ પરની આયાત જકાત શૂન્ય કરી નાખી. એટલે આમાં કપાસ ઉગાડનારા ખેડૂતોની તો ચિંતા કરવામાં આવી જ નથી. સસ્તી આયાતથી કપાસના ભાવ બજારમાં ઘટી જશે તો ખેડૂતોનું કેટલું અહિત થશે તેની ચિંતા કેન્દ્ર સરકારે કરી નથી. ફાયદો થશે વસ્ત્રો પેદા કરનારા અને નિકાસ કરનારાને થશે. એ મોટી કંપનીઓ છે.
નિકાસકારો એમ કહેતા હતા કે અમેરિકામાં જકાત વધી ગઈ એટલે અમેરિકન કંપનીઓએ તેમની આયાતના ઓર્ડર રદ કરી નાખ્યા છે. એનું એક કારણ એ પણ છે કે અમેરિકામાં ભારતનાં વસ્ત્રો પરની આયાત જકાત ૬૦ ટકા જેટલી થઈ છે, પણ બાંગ્લાદેશ અને વિયેતનામના કપાસ પરની જકાત ૨૦ ટકા જ છે અને ચીન પર તે ૩૦ ટકા જ છે. આમ, ભારત વસ્ત્રોની નિકાસમાં આ ત્રણ દેશોની હરીફાઈમાં ટકી શકતું નથી. એટલે વસ્ત્રોની નિકાસ કરનાર કંપનીઓએ એવી દલીલ કરી કે જો તેમને કપાસ સસ્તો મળે તો ૬૦ ટકા જેટલી જકાત હોય તો પણ ભારતનાં વસ્ત્રોની નિકાસ અમેરિકામાં થઈ શકશે. એટલે ભારત સરકારે કપાસ પરની આયાત જકાત સાવ જ કાઢી નાખી. જો કે, તેનાથી ભારતનાં વસ્ત્રોની નિકાસ અમેરિકામાં કેટલી વધે છે તે તો જોવાનું જ રહ્યું. કારણ કે બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીન પણ કંઈ મોઢું વકાસીને આ જોઈ તો રહે જ નહિ. તેઓ પણ તેમની વસ્ત્રોની નિકાસ વધારવા સબસિડી તેમની કંપનીઓને આપે એમ પણ બને અમેરિકાથી થતી કપાસની આયાત
ભારતે અમેરિકાથી ૨૦૨૨માં ૪૯ કરોડ ડોલર, ૨૦૨૩માં ૨૨ કરોડ ડોલર અને ૨૦૨૪માં ૨૧ કરોડ ડોલરની કપાસની આયાત કરી હતી. ભારત અમેરિકાથી જે ખેતપેદાશોની આયાત કરે છે તે આ વર્ષો દરમ્યાન અનુક્રમે ૨૩૫ કરોડ ડોલર, ૨૦૪ કરોડ ડોલર અને ૨૩૮ કરોડ ડોલર હતી. એટલે કે ખેતપેદાશોની અમેરિકાથી થતી કુલ આયાતમાં કપાસની આયાતનો ફાળો લગભગ દસમા ભાગનો જ છે. પણ આયાત જકાત ઘટાડવામાં આવી છે તેનાથી હવે અમેરિકાથી થતી કપાસની આયાત વધી શકે છે.
આનો સ્પષ્ટ અર્થ એ છે કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ધમકીઓ આપવામાં આવેલી તેની અસર ભારતમાં થઈ રહી છે. ટ્રમ્પ દ્વારા ભારત ખેતપેદાશોની આયાત પરની જકાત ઘટાડે એવી માગણી કરવામાં આવેલી અને તેની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા કપાસની આયાત પરની જકાત દૂર કરીને કરવામાં આવી છે. ખૂબ જ આઘાતજનક છે પૂર્વ સાંસદ શ્રી ઠુંમર
અમેરિકામાં કપાસ ઉગાડનારા ખેડૂતોને સબસિડી
અમેરિકા તેના ખેડૂતોને ભારે સબસિડી આપે છે. તેમાં પણ કપાસ પેદા કરનારા ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ભારે ચર્ચાનો વિષય રહી છે. ૨૦૨૨માં અમેરિકન સરકાર ૪૪ કરોડ ડોલરની સબસિડી તેના કપાસ પકવતા ખેડૂતોને આપતી હતી કે જે ૨૦૨૧માં ૮૫ કરોડ ડોલર હતી. જો કે, ૨૦૦૦માં એ સબસિડી ૨૫૦ કરોડ ડોલર જેટલી હતી. આમ, અમેરિકાએ કપાસ પેદા કરતા ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડી છે ખરી પણ તે હજુ ભારતની તુલનાએ તો બહુ જ છે. ૨૦૨૪નો આંકડો એમ કહે છે કે અમેરિકન સરકારે ત્યાંના કપાસ પેદા કરનારા ખેડૂતોને ૧૦૦ કરોડ ડોલરની સબસિડી આપી હતી. અમેરિકામાં માત્ર ૧૬,૧૦૦ ખેતરોમાં કપાસ પાકે છે અને તેમને આ સબસિડી આપવામાં આવી છે. એટલે કે એક ખેતરદીઠ ૬૨,૧૧૨ ડોલરની સબસિડી એક ખેતરને મળી. આ રકમ ભારતના રૂપિયામાં અત્યારે રૂ. ૫૪ લાખ થાય!
ભારત સરકાર અને રાજ્ય સરકારો રોકડ રકમ સહિત જે સબસિડી ખેડૂતોને આપે છે તે ખેડૂતદીઠ રૂ. ૪૦,૦૦૦થી વધુ નથી. તેમાં વીજળી, પાણી, ખાતર અને મશિનરી વગેરે બધાંમાં આપવામાં આવતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની સબસિડીનો સમાવેશ થઈ જાય છે. અમેરિકામાં કપાસ પેદા કરનારા ખેડૂતોના ખેતરનું સરેરાશ કદ ૭૩થી ૧૮૭ એકર છે. જ્યારે ભારતમાં ૯૨ ટકા ખેડૂતો પાસે પાંચ એકરથી ઓછી જમીન છે. હવે અમેરિકાના ખેડૂત સાથે ભારતના ખેડૂતને હરીફાઈ કરવાનું કહેવામાં આવે છે! સાચી હરીફાઈ થાય ખરી? આમ, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ પણ માંદો થાય, એવો ઘાટ છે. તેમ છતાં ભારત સરકારે અમેરિકાના કપાસ પરની જે આયાત જકાત દૂર કરી નાખી છે તે આઘાતજનક તેમજ ખેડૂતો સાથે દુશ્મનો સાથેના વર્તન સમાન છે તેમ શ્રી ઠુમર અંતમાં જણાવ્યું હતું