પાકિસ્તાને કરેલ પહેલાગામ હુમલાનો બદલો લીધો ભારતે
'ઓપરેશન સિંદૂર': ૯ સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યા:

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના મુઝફ્ફરાબાદ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો હોવાનું સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.
‘ઓપરેશન સિંદૂર’: ૯ સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યા:
સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આવેલા આતંકવાદી માળખાને નિશાન બનાવીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું, જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં આવતું હતું.” આ ઓપરેશન અંતર્ગત કુલ મળીને નવ (૯) સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા અને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
ભારતે સંયમ દાખવ્યો, સૈન્ય સ્થાપનોને નિશાન નથી બનાવાયા:
સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, આ કાર્યવાહી કેન્દ્રિત, માપેલી અને ઉશ્કેરણી ટાળવા માટેની હતી. નિવેદનમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે, કોઈ પણ પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને આ કાર્યવાહીમાં નિશાન બનાવવામાં આવ્યા નથી. ભારતે લક્ષ્યોની પસંદગી અને તેમને નષ્ટ કરવાની રીતમાં ઘણો સંયમ દાખવ્યો છે.
પહેલગામ હુમલાનો બદલો અને પ્રતિબદ્ધતા:
મંત્રાલયના નિવેદન અનુસાર, આ પગલાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે, જેમાં ૨૫ ભારતીયો અને એક નેપાળી નાગરિક સહિત કુલ ૨૬ લોકો માર્યા ગયા હતા. મંત્રાલયે પુનરાવર્તિત કર્યું કે, આ હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે તેવી ભારતની પ્રતિબદ્ધતા પર તે ખરા ઉતરી રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ વિશે વિગતવાર માહિતી પછીથી આપવામાં આવશે તેમ પણ મંત્રાલયે જણાવ્યું છે.
પહેલગામ હુમલા અને ત્યારબાદના ભારતીય પગલાં (સંદર્ભ):
ઉલ્લેખનીય છે કે, ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી શરૂઆતમાં લશ્કર-એ-તૈયબાના રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી, જોકે બાદમાં પાકિસ્તાની સેના અને ISIના દબાણ હેઠળ તે પાછો ફર્યો હતો. આ હુમલા બાદ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે અભિયાન તેજ કર્યું હતું. જમ્મુ અને કાશ્મીર સરકારે પણ ૪૮ પર્યટન સ્થળો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત, ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો, પાકિસ્તાની નાગરિકો માટે તમામ પ્રકારના વિઝા રદ કરવાનો અને પાકિસ્તાન દૂતાવાસમાં લોકોની સંખ્યા ઘટાડવા જેવા કડક નિર્ણયો લીધા હતા.
નિશાન બનવવામાં આવેલા સ્થળ આંતરરાષ્ટ્રીય બોર્ડરથી કેટલા દૂર છે
1.બહાવલપુરઃ આંતરરાષ્ટ્રીય સરહદથી આશરે 100 કિમી દૂર છે. જૈશ-એ-મોહમ્મદનું હેડ ક્વાર્ટર છે. જેને ભારતીય સેનાએ ધ્વસ્ત કર્યું છે.
2.મુરીદકેઃ આ આતંકી સ્થળ ઈન્ટરનેશનલ બોર્ડરથી 30 કિમી દૂર છે. લશ્કર-એ-તૈયબાની શિબિર હતી.
ગુલપુરઃ આ આતંકી સ્થળ એલઓસી (પૂંછ-રાજૌરી)થી 35 કિમી દૂર છે.
લશ્કર કેમ્પ સવાઈઃ આ આતંકી સ્થળ પીઓકે તંગધાર સેક્ટરની અંદર 30 કિમી દૂર છે.
બિલાલ કેમ્પઃ જૈશ એ મોહમ્મદનું લોન્ચ પેડ છે. આ સ્થળનો ઉપયોગ આતંકીઓને સરહદ પાર મોકલવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
કોટલીઃ એલઓસીથી 15 કિમી દૂર લશ્કરની શિબિ છે. અહીંયા 50થી વધુ આતંકીઓની ક્ષમતાવાળું ઠેકાણું હતું.
બરનાલા કેમ્પઃ આ આતંકી સ્થળ એલઓસીથી 10 કિમી દૂર હતું.
સરજાલ કેમ્પઃ સાંબા કઠુઆ સામે ઈન્ટરનેશ બોર્ડરથી 8 કિમી દૂર સ્થિત જૈશનું ટ્રેનિંગ સેન્ટર હતું.
મેહમૂના કેમ્પઃ સિયાલકોટ નજીક આવેલું આ સ્થળ હિઝબુલ મુઝાહિદ્દીનનું ટ્રેનિંગ સેન્ટર હતું અને ઈન્ટરનેશનલ બોર્ડરથી 15 કિમીના અંતરે હતું.