પહેલી ખાનગી નોકરી પર સરકાર ₹15 હજાર વધારાના આપશે, લાલ કિલ્લા પરથી પીએમ મોદીની જાહેરાત; કોને અને કેવી રીતે લાભ મળશે
‘આજે હું તમારા માટે ખુશખબર લઈને આવ્યો છું. 15 ઓગસ્ટના દિવસે મારા દેશના યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના શરૂ કરી રહ્યા છીએ. આનાથી સાડા ત્રણ કરોડ યુવાનોને રોજગાર મળશે.’
લાલ કિલ્લાના પ્રાંગણ પરથી પીએમ મોદીએ આ મહત્વાકાંક્ષી યોજનાની શરૂઆત કરી. આ યોજના શું છે, કયા સાડા ત્રણ કરોડ લોકોને ફાયદો મળશે, 15 હજાર રૂપિયા મેળવવાની પ્રક્રિયા શું હશે; આવા તમામ જરૂરી સવાલોના જવાબ આજના એક્સપ્લેનરમાં જાણીશું…
સવાલ-1: પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના શું છે? જવાબ: PM-VBRYએ ભારત સરકારની રોજગાર પ્રોત્સાહન યોજના છે. આ અંતર્ગત યુવાનોને નોકરી કરવા અને કંપનીઓને નોકરી આપવા માટે સરકાર તરફથી પ્રોત્સાહન (ઇન્સેન્ટિવ) આપવામાં આવશે. આ યોજનાનો હેતુ 3.5 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો છે.
મોદી સરકારે 23 જુલાઈ 2024ના રોજ રજૂ કરેલા બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના પહેલાં એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (ELI) નામે લાગુ કરવાની હતી, પછી તેનું નામ બદલીને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કરવામાં આવ્યું.
આ યોજના ખાસ કરીને યુવાનો, નાના-મધ્યમ ઉદ્યોગો (MSMEs) અને મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને ટેક્નોલોજી જેવા વિવિધ સેક્ટર્સમાં નોકરીઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 15 ઓગસ્ટે મોદીની જાહેરાત સાથે આ યોજના શરૂ થઈ ગઈ છે.
15 ઓગસ્ટના રોજ, પીએમ મોદીએ PM-VBRY લોન્ચ કર્યું.
સવાલ-2: આ યોજનાનો ફાયદો કોને મળશે? જવાબ: આ યોજનાનો ફાયદો નોકરી શરૂ કરનાર કર્મચારીઓ અને તેમને નોકરી આપનારી કંપનીઓ બંનેને મળશે. લાભાર્થીઓના બે ભાગ છે…
ભાગ-A: પ્રથમ વખત નોકરી કરનાર કર્મચારીઓ
• 18-60 વર્ષની ઉંમરના પ્રથમ વખતના કર્મચારીઓ, જેમનો માસિક પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય.
• જેઓ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)માં નોંધાયેલા હોય અને તેમનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોય.
ભાગ-B: રોજગાર આપનારી કંપનીઓ
• આ યોજના માટે 50થી ઓછા કર્મચારીઓવાળી નાની કંપનીઓએ ઓછામાં ઓછા 2 વધારાના કર્મચારીઓની ભરતી કરવી પડશે.
• 50 કે તેથી વધુ કર્મચારીઓવાળી મોટી કંપનીઓએ ઓછામાં ઓછા 5 વધારાના કર્મચારીઓની ભરતી કરવી પડશે.
• વધારાના કર્મચારીઓની ભરતી 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027ની વચ્ચે થવી જોઈએ અને આ કર્મચારીઓનું EPFOમાં નોંધણી અને EPF શેર હોવું ફરજિયાત છે.
• આ કંપનીઓએ કર્મચારીઓની માહિતી EPFO પોર્ટલ પર ઇલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન (ECR) ફોર્મ દ્વારા જમા કરવી પડશે.
સવાલ-3: પ્રથમ વખત નોકરી કરનાર કર્મચારીઓને આ યોજનાથી શું ફાયદો મળશે? જવાબ: પ્રથમ વખતના કર્મચારીઓને પગાર ઉપરાંત સરકાર તરફથી 15 હજાર રૂપિયા સુધીની વધારાની રકમ મળશે. આ રકમ બે હપ્તામાં મળશે. 7,500 રૂપિયાનો પહેલો હપ્તો 6 મહિનાની નોકરી પૂર્ણ થયા બાદ અને બીજો હપ્તો 12 મહિનાની નોકરી પૂર્ણ થયા બાદ મળશે. નોંધ રાખો કે 15 હજાર રૂપિયા એ કુલ ઇન્સેન્ટિવ છે, માસિક કે વાર્ષિક નહીં.
સવાલ-4: આ યોજનાથી રોજગાર આપનારી કંપનીઓને શું ફાયદો મળશે? જવાબ: વધારાનો રોજગાર આપનારી કંપનીઓને પણ ઇન્સેન્ટિવ મળશે. જો કંપની 10 હજાર રૂપિયા માસિક પગાર પર કર્મચારી રાખે, તો કંપનીને મહત્તમ 1,000 રૂપિયા મળશે. 10 હજારથી 20 હજાર રૂપિયા પગારવાળા કર્મચારી માટે કંપનીને 2,000 રૂપિયા મળશે. 20 હજારથી 1 લાખ રૂપિયા પગારવાળા કર્મચારી માટે કંપનીને દર મહિને 3,000 રૂપિયા મળશે.
વધારાના કર્મચારીઓ એટલે જેઓ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027ની વચ્ચે કંપનીમાં નવા ભરતી થયા હોય અને EPFOમાં નોંધાયેલા હોય.
સવાલ-5: આ યોજનામાં જોડાવા માટે શું-શું કરવું પડશે? જવાબ: કર્મચારીઓએ આ યોજનામાં જોડાવા માટે અલગથી અરજી કરવાની જરૂર નથી. આ માટે કંપનીઓ જ EPFOને તમારી વિગતો આપશે. વિગતો સબમિટ થતાં જ તમે આ યોજના માટે પાત્ર બની જશો. જોકે, તમારે આ 4 બાબતોનું ધ્યાન રાખવું પડશે…
• તમારો આધાર નંબર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ અને બેંક ખાતું NPCI સાથે જોડાયેલું હોવું જોઈએ.
• તમારો UAN નંબર EPFOમાં સક્રિય હોવો જોઈએ.
• કોઈ કંપની જોડાતી વખતે તમારા આધાર કાર્ડ, બેંક વિગતો અને પાન કાર્ડની સાચી માહિતી આપો.
• બીજા હપ્તા માટે નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ કરવું ફરજિયાત છે. આની માહિતી કંપની અથવા EPFO પોર્ટલ પરથી મળશે.
સવાલ-6: આ યોજના હેઠળ પૈસા PFમાં જમા થશે કે સીધા બેંક ખાતામાં આવશે? જવાબ: આ યોજના હેઠળ પૈસા સીધા બેંક ખાતામાં આવશે. કર્મચારીઓને મળનારી 15 હજાર રૂપિયાની રકમ બે હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા આધાર-લિંક્ડ બેંક ખાતામાં જમા થશે. આ ચુકવણી આધાર બ્રિજ પેમેન્ટ સિસ્ટમ (ABPS) દ્વારા કરવામાં આવશે.
આ જ રીતે કંપનીઓને મળનારી 1થી 3 હજાર રૂપિયાની રકમ પણ પાન-લિંક્ડ બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર થશે. જોકે, રકમનો એક હિસ્સો કર્મચારીઓ માટે બચત ખાતા કે જમા ખાતામાં જમા થઈ શકે છે, જેથી બચતને પ્રોત્સાહન મળે. પરંતુ આ PF ખાતાથી અલગ હશે.
સવાલ-7: જો કર્મચારીએ 6 મહિનાથી પહેલાં નોકરી છોડી દીધી, તો પણ ફાયદો મળશે? જવાબ: ના. 6 મહિનાથી પહેલાં નોકરી છોડનાર કર્મચારીઓને યોજના હેઠળ પ્રોત્સાહન રકમ નહીં મળે. આ સાથે કંપનીને પણ તે કર્મચારી માટે પ્રોત્સાહન રકમ નહીં મળે.
જો તમે 6 મહિના પહેલા નોકરી છોડી દો છો, તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં.
સવાલ-8: જેઓ પહેલેથી ક્યાંક કામ કરે છે, તેમના માટે આ યોજનામાં કંઈ નથી? જવાબ: ના. જે કર્મચારીઓ પહેલેથી EPFOમાં નોંધાયેલા છે, તેમને આ યોજનાનો ફાયદો નહીં મળે. આ યોજના ખાસ કરીને EPFOમાં પ્રથમ વખત નોંધણી કરાવનાર કર્મચારીઓ માટે છે, જેઓ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027ની વચ્ચે નવી નોકરી શરૂ કરે છે.
જો કોઈ કર્મચારી પહેલાં બિન-EPFO કંપનીમાં કામ કરતો હતો અને હવે ખાનગી સેક્ટરની EPFO નોંધાયેલી કંપનીમાં પ્રથમ વખત નોકરી શરૂ કરે છે, તો તે આ યોજના માટે પાત્ર બની શકે છે. પરંતુ આ નોકરી ખાનગી કંપની જ આપશે.
સવાલ-9: શું આ યોજના હેઠળ સરકાર નવી નોકરીઓ પણ આપશે? જવાબ: ના. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ સરકાર સીધી રીતે નવી નોકરીઓ નહીં આપે. આ યોજના ખાનગી સેક્ટર્સમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે.
આ યોજનાનો હેતુ 2 વર્ષમાં 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરવાનો છે, પરંતુ આ નોકરીઓ EPFO નોંધાયેલી કંપનીઓ જ આપશે. આમાં ફેક્ટરીઓ, સ્ટાર્ટઅપ, નાના વ્યવસાયો કે ઘણી નાની ઓર્ગેનાઇઝ્ડ ફર્મ્સનો સમાવેશ થાય છે.
આ યોજનામાં ફેક્ટરીઓ, સ્ટાર્ટઅપ્સ, નાના વ્યવસાયો અથવા ઘણી નાની સંગઠિત કંપનીઓનો સમાવેશ થાય છે.
સવાલ-10: શું આ યોજના દેશના તમામ ભાગોમાં લાગુ થશે? જવાબ: હા. આ યોજના રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવી છે અને તેમાં કોઈ પ્રાદેશિક સીમા નથી. આ યોજના તમામ EPFO નોંધાયેલી ખાનગી કંપનીઓ અને પ્રથમ વખત નોકરી કરનાર કર્મચારીઓ માટે છે, પછી તેઓ ભારતના કોઈપણ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ, ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તારમાં રહેતા હોય.
સવાલ-11: શું આ યોજનામાં ખોટી માહિતી આપવા પર સજા પણ થશે? જવાબ: હા. જો આ યોજનાનો ફાયદો લેવા માટે કોઈ કર્મચારી ખોટી માહિતી આપે, તો તેમને પ્રોત્સાહન રકમ નહીં મળે અને કાનૂની સજા પણ થઈ શકે છે. ખોટી માહિતી એટલે…
1. કર્મચારી તરફથી:
• ખોટો આધાર નંબર કે બેંક ખાતાની વિગતો આપવી.
• એવો દાવો કરવો કે તેઓ પ્રથમ વખત EPFOમાં નોંધાયેલા છે, જ્યારે તેમનો UAN પહેલેથી સક્રિય હોય.
• ખોટી પગારની વિગતો આપવી, જેમ કે 1 લાખ રૂપિયાથી ઓછો પગાર બતાવવો, જ્યારે વાસ્તવમાં પગાર વધુ હોય.
2. કંપની તરફથી:
• ખોટી કર્મચારી સંખ્યા કે ભરતીની વિગતો આપવી. જેમ કે ખોટી રીતે વધારાના કર્મચારીઓ બતાવવા.
• કર્મચારીઓના પગાર કે જોડાવાની તારીખમાં હેરફેર કરવી.
• ECR ફોર્મમાં ખોટી માહિતી જમા કરવી.
• પહેલેથી EPFO નોંધાયેલા કર્મચારીઓને યોજનાનો ફાયદો લેવા માટે નવા બતાવવા.
EPFO કંપની કે કર્મચારીની વિગતોની તપાસ કરે છે. જો કોઈ ગેરરીતિ કે ખોટી માહિતી મળે, તો પ્રોત્સાહન રકમ રદ કરવા ઉપરાંત કંપની, કર્મચારી કે બંને પર કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
સવાલ-12: શું આ યોજનાનો લાભ વેપારીઓને પણ મળશે? જવાબ: હા. આ યોજના હેઠળ વેપારીઓને પણ ફાયદો મળશે, બશરતે તેઓ EPFOમાં નોંધાયેલા હોય અને યોજનાની શરતો પૂરી કરે. આ યોજનામાં વેપારીઓ એટલે જેઓ ખાનગી સેક્ટરમાં વ્યવસાય કરે છે અને કર્મચારીઓની નિમણૂક કરે છે.
આમાં નાના વ્યવસાયો જેમ કે દુકાનદારો, નાની ફર્મ્સ કે સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે, જેમની પાસે 50થી ઓછા કર્મચારીઓ હોય. જ્યારે મોટી કંપનીઓ એટલે ફેક્ટરીઓ, મેન્યુફેક્ચરિંગ યુનિટ કે સર્વિસ સેક્ટરની કંપનીઓ, જ્યાં 50થી વધુ કર્મચારીઓ કામ કરે છે.
જો કોઈ વ્યક્તિ પોતે જ રોજગાર કરે છે, એટલે કે ફ્રીલાન્સિંગ, શાકભાજી-ફળ વેચનાર કે પોતાની દુકાન ચલાવનાર, જેની પાસે કર્મચારીઓ ન હોય, તે આ યોજનાનો ફાયદો નહીં લઈ શકે. કારણ કે આ યોજના કર્મચારી ભરતીને પ્રોત્સાહન આપવા માટે છે.
સવાલ-13: શું આ યોજનામાં મહિલાઓ કે વિશેષ જૂથો માટે કોઈ વધારાનો લાભ છે? જવાબ: ના. આ યોજનામાં મહિલાઓ કે કોઈ વિશેષ જૂથ એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગજનો કે અન્ય વર્ગો માટે કોઈ વધારાનો લાભ નથી. આ યોજના તમામ પાત્ર કર્મચારીઓ અને કંપનીઓ માટે સમાન રીતે લાગુ કરવામાં આવી છે.
કર્મચારીઓને મહત્તમ 15 હજાર રૂપિયા અને કંપનીઓને 1થી 3 હજાર રૂપિયા સમાન રીતે આપવામાં આવશે, પછી તેઓ કોઈપણ લિંગ, જાતિ કે સામાજિક જૂથના હોય.
આ યોજનામાં મહિલાઓ કે કોઈ ખાસ જૂથો માટે કોઈ અલગ લાભ નથી.
સવાલ-14: શું આ યોજના હંમેશાં ચાલશે કે થોડા સમય બાદ બંધ થઈ જશે? જવાબ: પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હંમેશાં નહીં ચાલે. આ 15 ઓગસ્ટ 2025થી શરૂ થઈ છે અને 31 જુલાઈ 2027એ બંધ થઈ જશે. 31 જુલાઈ 2027 પછી નવી ભરતીઓ માટે આ યોજના હેઠળ પ્રોત્સાહન રકમ નહીં મળે.
જોકે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ યોજનાનો લાભ 4 વર્ષ સુધી મળશે, કારણ કે સરકાર આત્મનિર્ભર ભારત પહેલને પ્રોત્સાહન આપવા માગે છે. આ ઉપરાંત અન્ય કોઈપણ સેક્ટરમાં ફક્ત 2 વર્ષ સુધી લાભ મળશે. આ યોજના માટે કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે.
નિષ્ણાતોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર 2027 પછી યોજનાની સફળતા અને જરૂરિયાતના આધારે યોજનાને લંબાવી શકે છે અથવા આવી નવી યોજના શરૂ કરી શકે છે.
સવાલ-15: આ યોજના પર કયા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે? જવાબ: મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અવનીશ સિંહ બુંદેલા કહે છે, ‘પીએમ મોદીની પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના ફક્ત જનતાને ભ્રમિત કરવા માટે છે. પહેલાં પીએમ મોદીએ 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી અને હવે તેઓ સીધા 15 હજાર રૂપિયા પર આવી ગયા છે. આ યોજનાનું નામ અને તેના હેઠળ થનારું કામ બંને અલગ છે.’
અવનીશ સિંહ બુંદેલા આગળ કહે છે, ‘પીએમ મોદી દેશમાં યુવાનોને રોજગાર આપવાને બદલે પૈસા વહેંચી રહ્યા છે. એટલું જ નહીં, આ પૈસા પણ રોજગારના નામે આપવામાં આવશે. આ યોજનામાં આ વાતને ખૂબ ચતુરાઈથી ફેરવવામાં આવી છે. જનતાએ સમજવું જોઈએ કે આ યુવાનોના ભવિષ્ય માટે નથી, પરંતુ તેમની પાસેથી વોટ લેવા માટે છે. આનાથી ફક્ત ભાજપને વોટ મળશે, નહીં કે યુવાનોને રોજગાર મળે.’
મધ્યપ્રદેશ સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યશ ભારતીય કહે છે, ‘ભાજપ આ યોજના દ્વારા ખાનગી સેક્ટર પર દબાણ બનાવી રહ્યું છે, જે પહેલેથી જ નાશ પામેલું છે. જો કેન્દ્ર સરકાર યુવાનોને રોજગાર આપવા માગે છે, તો સરકારી નોકરીઓ શા માટે નથી આપતી? સરકારી નોકરીઓની જગ્યાએ ખાનગી નોકરીઓ તરફ ધકેલી રહી છે. આ ઉપરાંત 15 હજાર રૂપિયાની રકમ ફક્ત લાલચ છે. 2029ની ચૂંટણીમાં સરકાર પાસે કહેવા માટે મુદ્દો હશે કે અમે 2 વર્ષમાં 3.5 કરોડ યુવાનોને રોજગાર આપ્યો. જ્યારે તેમને ફક્ત 15 હજાર રૂપિયા મળશે, જેની કોઈ ગેરંટી નથી.’