
ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર આવવું મુશ્કેલ
અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદને પગલે તોફાની બન્યો છે. જેને પગલે જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર જાફરાબાદ અને રાજપરાની બે બોટ સહિત 3 બોટ ડૂબી હતી. જે ત્રણેયમાં 28 માછીમારો સવાર હતા. જેમાંથી 17ને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે 11 માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જાફરાબાદની અને રાજપરાની બોટ ડૂબી આ અંગે મળતી માહિતી મુજબ જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ આ બન્ને બોટે દરિયામાં જળસમાધી લીધી છે. બંને બોટમાં નવ-નવ માછીમારો સવાર હતા. જેમાંથી 10ને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યૂ કરી બચાવી લીધા છે. તેમજ અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, મધ દરિયામાં ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર લાવવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ જાફરાબાદની બોટમાંથી બચાવવામાં આવેલા 5 માછીમારોમાંથી બે માછીમારોને ઈજાગ્રસ્ત છે.
દેવકી બોટના 7 ખલાસીઓનું રેસ્ક્યુ, ત્રણ લાપતા દરિયામાં ભારે પવન અને તોફાન વચ્ચે વધુ એક દેવકી નામની બોટ ડૂબી હોવાની ઘટના સામે આવી છે. જેમાં 10 ખલાસીઓ સવાર હતા. જેમાંથી 7 ખલાસીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરી અન્ય દરિયા દોલત નામની બોટે બચાવા હતા. જ્યારે 3 ખલાસીઓ હજુ પણ લાપતા હોવાથી શોધખોળ ચાલી રહી છે.
વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે જાફરાબાદ માછીમારો દ્વારા ફિશરીજ વિભાગ અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. જેથી તંત્રએ પીપાવાવ કોસ્ટગાર્ડને માહિતી આપી હતી. હાલ અંદર વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય માછીમારો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અન્ય બોટ ધારકોએ શોધખોળ હાથ ધરી જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ હમીર સોલંકીએ જણાવ્યું કે, બે બોટ ડૂબી છે. જેમાંથી 10 માછીમારો બચી ગયા છે. અન્ય માછીમારોને અમારા બોટ ધારકો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
વરસાદ અને ભારે પવનના કારણે સ્થિતિ ખરાબ થઈ જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, હાલ વાતાવરણ ખરાબ છે. તમામ બોટ પરત આવી રહી છે. વરસાદ અને ભારે પવનના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે.